કહો, કોની પરવા ?

શરીર સાબૂત હોય
કે સાબૂત ન પણ હોય
પણ મન આ મજબૂત હોય
તો ડરવાનું શું ને પછી કોની પરવા ?
જીવવાનું હોય
યા મરવાનું હોય
તો ડરવાનું શું ને પછી કોને પરવા ?
તનના તંબુમાં
મરણનો આરબ
એનો ઊંટ સાથે હોય
પણ આપણા આ હોઠ સામે
અમરતના ઘૂંટ હોય
આનંદ લખલૂંટ હોય
પછી કોને પરવા ને કોની પરવા ?
આપણે તો મરજી-વા
ડૂબવા નીકળ્યા
ને જળની કેડી પર નીકળ્યા ફરવા
હવે કોને પરવા ને કોની પરવા ?
રોજ રોજ ડૂબવાનું
રોજ રોજ તરવાનું
રોજ રોજ ઊગવાનું
ને આપણે આથમવાનું:
ફરી પાછું ઊગવાનું:
કાંઈ નહીં પૂછવાનું:
સ્મિત નહીં લૂછવાનું:
કહો, કોને પરવા ?
કહો, કોની પરવા ?

No comments:

Post a Comment